ઘરનો મેઈન ગેટ કેવો હોવો જોઈએ? કઈ દિશામાં હોય છે શુભ? જાણો સંપૂર્ણ ઘરનું વાસ્તુ શાસ્ત્ર

ઘર, ઓફિસ કે કોઈપણ જગ્યાએનું મુખ્ય પ્રવેશદ્વાર એ લોકો માટે પ્રવેશવા માટેનો દ્વાર જ નથી હોતો પરંતુ તે અંદર અને બહાર જવા માટે ઊર્જાનો પ્રવેશદ્વાર પણ હોય છે. તેથી, વાસ્તુશાસ્ત્રમાં ઘરનો મુખ્ય દરવાજો અથવા પ્રવેશદ્વાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ આપવામાં આવ્યા છે. જાણો ઘરની કઈ દિશામાં મુખ્ય દરવાજો હોવો શુભ છે અને ક્યાં અશુભ.

ઘરના મુખ્ય દ્વારની દિશાઃ મુખ્ય દરવાજો પશ્ચિમ દિશામાં- ઘરની પશ્ચિમ દિશામાં રસોડું અથવા શૌચાલય હોવું વધુ સારું રહે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તે બંને એકબીજાની નજીક ના હોય. આ દિશામાં મેઈન ગેટ બનાવવાનું ટાળવું જોઈએ.

મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં હોવો: ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં હોવો ખૂબ જ શુભ હોય છે. એટલું જ નહીં ઘરમાં મહત્તમ સંખ્યામાં બારી-બારણાં બનાવવાથી ઘરમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને સુખ વધે છે. ઘરની બાલ્કની અને વૉશ બેસિન પણ આ દિશામાં જ બનાવવા જોઈએ.

મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં- દક્ષિણ દિશામાં મુખ્ય દ્વાર બનાવવાનું ટાળવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભારે વસ્તુઓ ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આ દિશા ના તો ખુલ્લી રાખવી જોઈએ અને ના તો કોઈ દરવાજો કે બારી બનાવવી જોઈએ. તેનાથી ઘરમાં ઝઘડા અને નકારાત્મકતા વધે છે.

ઉત્તર- પૂર્વ દિશામાં મુખ્ય દ્વાર- ઉત્તર-પૂર્વ દિશાને ઈશાન દિશા કહેવાય છે. ઘરના ઉત્તર- પૂર્વ ખૂણામાં મુખ્ય દ્વાર હોવું ખૂબ જ શુભ હોય છે. આ સિવાય ઉત્તર- પૂર્વ ખૂણામાં મંદિર હોવું પણ વાસ્તુ મુજબ શુભ ગણાય છે.

મુખ્ય દ્વાર અંગે આ બાબતોનું ધ્યાન રાખો: મુખ્ય દ્વાર અને મુખ્ય દ્વાર તરફ જતા માર્ગ પર અંધારું ના હોય તેનું ધ્યાન રાખો. મુખ્ય દરવાજા પર અંધારું થવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

મુખ્ય દરવાજો તૂટેલો કે જર્જરિત ન હોવો જોઈએ. તેમ જ તેનો રંગ ઉખડેલો ના હોવો જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સારી સ્થિતિમાં હોવો જોઈએ. તેમજ દરવાજો બંધ કે ખોલવામાં આવે ત્યારે કોઈ અવાજ ના આવવો જોઈએ.

ઘરના પ્રવેશદ્વાર પર કોઈપણ પ્રકારનો પડછાયો ના હોવો જોઈએ. તેમજ મુખ્ય દરવાજાની સામે થાંભલો, વૃક્ષ કે અન્ય કોઈ વસ્તુ ના હોવી જોઈએ. મુખ્ય પ્રવેશદ્વારની સામે લિફ્ટ કે પગથીયા ના બનાવવા. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Post Comment