ગણેશ વિસર્જન માટે મૂર્તિને ઘરની બહાર લઇ જતી વખતે ના કરવી આ ભૂલ, નહીંતર ક્યારેય નહીં મળે માફી

ગણપતિ બાપ્પાને વિદાય આપવાનો સમય આવી ગયો છે. ગણેશ વિસર્જન ૧૭ મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે થાય છે. ગણપતિની મૂર્તિનું નદી, તળાવ અને દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને ઘરમાં કે જાહેર સ્થળોએ પાણીના કુંડમાં વિસર્જન કરે છે.

જે રીતે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવે છે અને તેની દસ દિવસ સુધી સેવા અને પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે તેમનું સંપૂર્ણ સન્માન અને યોગ્ય રીતે વિસર્જન કરવું મહત્વપૂર્ણ હોય છે. જાણો ગણેશ વિસર્જન સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ગણપતિ વિસર્જન દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાનઃ ગણેશ વિસર્જન માટે જતા પહેલા ઘરમાં ભગવાન ગણેશની આરતી કરો અને તેમને ભોગ ધરાવો. જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે તેમની પાસે માફી માગો.

ગણેશ વિસર્જન માટે જતી વખતે ધ્યાન રાખો કે મૂર્તિનું મુખ ઘર તરફ હોવું જોઈએ અને તેમની પીઠ ઘરની બહાર હોવી જોઈએ. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન ગણેશની પીઠ પાછળ ગરીબીનો વાસ હોય છે. ઘર તરફ પીઠ ફેરવવાથી ઘરમાં ગરીબી આવે છે. ઘરમાં નકારાત્મકતા, ગરીબી અને મતભેદ વધે છે. તેથી ભૂલથી પણ ગણેશજીની પીઠ ઘર તરફ ના રાખો. શુભ મુહુર્તમાં જ ગણપતિ બાપ્પાને વિદાય આપો. ભદ્રા કાળમાં ભગવાન ગણેશને ઘરેથી વિદાય ન આપો.

ગણેશ વિસર્જન સ્થળ પર પહોંચ્યા પછી, ભગવાન ગણેશને આદરપૂર્વક ચોકી અથવા આસન પર બિરાજમાન કરો. તેમના પર અક્ષત, હળદર અને કુમકુમથી તિલક કરો. દીવો પ્રગટાવો, ભોજન કરાવો, આરતી કરો. દરેકને પ્રસાદ વહેંચો. આ પછી જ ગણપતિ વિસર્જન કરવું. ગણેશ વિસર્જન કરતી વખતે, ગણપતિ બાપ્પા મોર્યાનો જાપ કરો. ત્યારપછી મૂર્તિને ધીમે- ધીમે પૂર્ણ સન્માન સાથે પાણીમાં વિસર્જિત કરો.

જો તમે ઘરમાં જ વિસર્જન કરી રહ્યા છો, તો સુનિશ્ચિત કરો કે પાત્ર અને પાણી બંને સ્વચ્છ છે. મૂર્તિનું વિસર્જન કર્યા પછી, તે પાણી પીપળાના ઝાડમાં અથવા વાસણમાં પધરાવી દેવું. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધ ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું.)

Post Comment