બહાર જેવું ટેસ્ટી ‘ભાજીપાવ’ બનાવો ઘરે.. જાણો સરળ રેસિપી.. આંગળા ચાટતા રહી જશો..

ભાજી પાવ (પાવભાજી) તો મોટાભાગના લોકોની ફેવરેટ ડીશમાંથી એક હોય છે ત્યારે કાયમથી બજારમાં ખાઈએ એવી ભાજી ઘરે કેમ નથી બનતી તેવો પ્રશ્ન રહેતો હોય છે. તમે ઘણી રેસિપી અને વિડીયો જોયા હશે અને ઘણી મહેનત કરી હશે પરંતુ બહાર જેવો ઓથેન્ટિક ટેસ્ટ હજુ સુધી નહીં મળ્યો હોય. તો આજે અમે તમને ભાજીપાઉંની એવી રેસિપી કહેવા જઈ રહ્યા છીએ જે એકદમ સરળ છે અને તમને બિલકુલ બહાર જેવો જ ટેસ્ટ આપશે.

સામગ્રી:

કેપ્સિકમ: એક નાનો બાઉલ/ અડધું મિડીયમ, સમારેલું

બાફેલા વટાણા: ૧ કપ

ટામેટા: ૫ મીડીયમ/ મોટી સાઈઝના- સમારેલા

ગાજર: ૧ (ઓપ્શનલ)

બાફેલા બટાકા: ૪-૫

આદુ- લસણની પેસ્ટ: ૧ ટેબલ સ્પુન

ડુંગળી: ૨ મીડીયમ – સમારેલી

મીઠો લીમડો: ૩-૪ પાંદડા

બાદીયાના ફૂલ: ૧ નાનું

લાલ મરચું પાવડર, ભાજીપાઉં મસાલો, કસૂરી મેથી/ કસૂરી મેથી પાવડર, મેથીના દાણા, લવિંગ, ધાણાજીરું, હળદર, મીઠું, લીંબુ, કોથમીર, તેલ અને બટર, પાઉં.

ભાજી બનાવવાની રીત:

આપણે ભાજી બે રાઉન્ડમાં બનાવીશું, જેમ બહાર બનાવે છે તે જ પ્રકારે.

તેની પહેલા બહાર જેવો ટેસ્ટ લાવવા આપણે એક મસાલો બનાવીશું. જેમાં આપણે ૩-૪ જેટલા લવિંગ લઈશું, ૧ સ્પુન મેથીના દાણા તેમજ ૧ સ્પુન કસૂરી મેથી લઈશું, તેને સારી રીતે ગ્રાઈન્ડ કરી પાવડર બનાવીશું, જો તમારે વધારે કવોન્ટિટીમાં બનાવવું હોય તો આ માત્રામાં બનાવી શકો છો, આ મસાલાનો ઉપયોગ પુલાવમાં તેમજ અન્ય ઘણી ચટાકેદાર વાનગીઓમાં કરી શકાશે. આ પાવડરમાંથી ૩ ટે. સ્પુન જેટલો પાવડર એક નાના બાઉલમાં કાઢો અને તેમાં ૨ થી ૩ ટે. સ્પુન જેટલો ભાજીપાવ મસાલો નાખી મિક્સ કરી લો.

હવે  ભાજી બનાવવાની શરુ કરીએ, તો સૌપ્રથમ એક નોન સ્ટીક અથવા તો મોટા તવા અથવા તગારામાં ૨ થી ૩ ટેબલ સ્પુન જેટલું તેલ નાખીશું, તે ગરમ થાય એટલે સમારેલા કેપ્સિકમ (શિમલા મિર્ચ) નાખવા, એક મિનીટ જેટલા સાંતળીને તેમાં વટાણા નાખવા, જેને ૩૦ સેકન્ડ સુધી સાંતળીને થોડા મેશ કરવા. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાખવા.

બાદમાં તરત જ સમારેલા ગાજર  નાખવા. ગાજર ઓપ્શનલ છે, જો આપને તેનો પ્રયોગ પસંદ પડે તો જ કરવો, આ સાથે તરત જ થોડું મીઠું નાખવું. થોડું સાંતળીને તેમાં આપણે કસૂરી મેથીવાળો અને ભાજીપાવ મસાલાનો મિક્સ કરેલો પાવડર તેમાં નાખવો સાથે જ થોડીક કોથમીર નાખવી.

ત્યારબાદ ટામેટા એકદમ ચડી ગયા હોય તો આ મિશ્રણને મેશરની મદદથી મેશ કરી દેવું, ત્યારબાદ તેમાં બાફેલા બટાકાને મેશરથી મેશ કરીને નાખવા, આ મિશ્રણને થોડું હલાવી લેવું, તેમાં ૫૦ ગ્રામ જેટલું બટર નાખવું તેમજ પરફેક્ટ મિક્સ થઇ જાય તે માટે મેશરની મદદથી એકદમ મેશ કરવું જેથી દરેક શાકભાજી એકબીજામાં ભળી જાય.

યાદ રાખવું કે ભાજીમાં તમે જેટલું પરફેક્ટ અને મહેનતથી વધારે મેશ કરશો એટલી જ ફ્લેવર તેમાં ભળશે એટલે જો આ મિશ્રણ વાસણમાં બળીને ચોંટતું હોય તો સ્ટવ બંધ કરીને નીચે ઉતારીને પણ પરફેક્ટ મેશ કરી શકો છો.

બાદમાં આ મિશ્રણને બાજુ પર રાખીને એક નોનસ્ટીક/ મોટા તવા અથવા તગારામાં ૧ ટેબલ સ્પુન તેલ અને તે ગરમ થાય એટલે ૫૦ થી ૬૦ ગ્રામ જેટલું બટર નાખવું, તેમાં થોડા જીરાના દાણા નાખવા, લીમડાના પાન નાખવા, તરત જ ૧ નાની સાઈઝનું બાદીયુ (ફૂલ) નાખવું ૧૦-૧૫ સેકન્ડ બાદ આદુ- લસણ- લીલા મરચાની ૧ ટેબલ સ્પુન પેસ્ટ નાખવી, તે બ્રાઉન કલરની થાય એટલે તેમાં ૨ સમારેલી ડુંગળી નાખવી. ત્યારબાદ તેમાં થોડી કોથમીર નાખવી.

આ મિશ્રણને ૧-૨ મિનીટ જેટલી સાંતળીને તેમાં ૨ થી ૩ ટી સ્પુન જેટલું લાલ મરચું પાવડર નાખવો, ૧ ટી સ્પુન જેટલો ભાજીપાવ મસાલો નાખવો, સ્વાદાનુસાર તથા ડુંગળી ચડે તે માટે મીઠું નાખવું, ૧ ટી સ્પુન ધાણાજીરું પાવડર, અડધી ટી સ્પુન હળદર નાખવી અને તરત જ આ મસાલા બળે તે પહેલા સરખા હલાવીને મિક્સ કરીને આ મિશ્રણમાં ૨૫ ML જેટલું પાણી નાખવું અને ગેસની ફ્લેમ એકદમ લો હતી તેમાંથી થોડી વધારવી -એકદમ ફૂલ ના કરવી, ત્યારબાદ ફરીથી ૨૫ ml જેટલું પાણી નાખવું.

આ પ્રમાણે પાણી ઓછું થાય તો ફ્લેમ વધારીને થોડું પાણી નાખવું અને બાદમાં ફ્લેમ લો કરી દેવી. જ્યાં સુધી ડુંગળી એકદમ ચડી ના જાય ત્યાં સુધી આવું કરવું એટલે લગભગ ૮ થી ૧૦ મિનીટમાં ડુંગળી લો -મીડીયમ ફ્લેમ પર ચડી જશે.

ત્યારબાદ તેમાં અગાઉ બટાકા અને શાકભાજીનું બનાવી રાખેલું મિશ્રણ નાખી દેવું, તેને બરાબરનું હલાવીને ફરીથી મેશરનો પ્રયોગ કરવો અને એકદમ મિક્સ કરી દેવું. તેમાં ૧ ટી સ્પુન જેટલો કસૂરી મેથી પાવડર અથવા કસૂરી મેથીને મસળીને નાખવી. જો તમને આખા વટાણા પણ પસંદ હોય તો થોડા બાફેલા વટાણા રહેવા દઈને આ સમયે પણ નાખવા.

આ ભાજી એકદમ ભળી જાય ત્યારે તે કોરું હશે એટલે એકદમ થોડું પાણી લઈને ફ્લેમ હાઈ કરીને તેમાં પાણી નાખવું અને તરત ભાજી હલાવી લેવી, થોડું થોડું કરીને તમે ભાજીમાં જેટલી કન્સીસ્ટન્સી રાખવા માંગતા હોવ એટલું પાણી નાખવું અને છેલ્લે જેટલું પાણી નાખો તેની ૫-૭ મિનીટ સુધી તેને હાઈ- મીડીયમ ફ્લેઈમ પર ગરમ કરતા રહેવું એટલે તમારે જેટલું પ્રવાહી જોઈતું હોય તેના કરતા વધારે પાણી નાખવું કારણકે તમે ઉકાળશો એટલે પાણી ઓછું થવાનું જ છે એટલે તમારી એ ગણતરી પ્રમાણે અને જોઈતું હોય તે પ્રમાણે પાણી નાખવું અને ઉકાળવું.

બાદમાં તેમાં લીંબુ નાખીને હલાવી લેવું અને ગેસ/સ્ટવ બંધ કરી દેવો. છેલ્લે તમારે ઓથેન્ટિક ફ્લેવર માટે ૧ ટી સ્પુન જેટલો ભાજીપાવ મસાલો નાખીને ૫-૧૦ મિનીટ સુધી જેમનો તેમ રહેવા દેવો એટલે કે તેને ભભરાવીને ભાજી હલાવવું નહીં અને બને તો ડીશ અથવા કોઈ ઢાંકણથી તે વાસણને ઢાંકી રાખવું. જયારે તમે ભાજીને ડીશમાં લ્યો ત્યારે તેના પર બટર, કોથમીર છાંટીને, શેકેલા પાવ, ઝીણી સમારેલી ડુંગળી- ટામેટા, લીંબુ સાથે સર્વ કરી શકો છો.

જો આ રેસિપી પસંદ પડે તો શેર જરૂરથી કરજો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *